સરકારી ઇજનેરી કોલેજ વલસાડનો ગાંધીનગર ખાતે યોજાયેલ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૩માં ઉત્કૃષ્ટ દેખાવ.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબીશન સેન્ટર ખાતે "સ્ટાર્ટઅપ કોન્ક્લેવ ૨૦૨૩" કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના ખાનગી તેમજ સરકારી ક્ષેત્રેના એકમો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા. જે સ્ટોલ દ્વારા જે તે એકમોની અને સંસ્થાઓના ઉત્કૃષ્ટ ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ઇનોવેટીવ સ્ટાર્ટઅપ્સ અને પ્રોડક્ટસ માટેના આ પ્રદર્શનમાં સરકારી ઇજનેરી કોલેજ વલસાડનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા પ્રોજેક્ટસમાંથી વિકસાવેલી છ જેટલા ઇનોવેટિવ ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં બે પ્રોજેક્ટ્સ ન્યુ ઈંડિયા વાઇબ્રન્ટ હેકાથોન-૨૦૨૩માં રાજ્ય કક્ષાએ અનુક્રમે પ્રથમ અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલી કૃતિઓ ડિજિટલ પ્લેટફોર્મ ફોર ઇરિગેશન મેનેજમેન્ટ અને લોડ બેલેસિંગ ફોર ઓપ્ટિમલ પાવર ડિસ્ટ્રિબ્યુશન પર આધારિત છે.
ટીમ લીડર્સ મન જોશી તેમજ તેમની ટીમના ઇલેક્ટ્રીકલ, સિવિલ અને એન્વાયરમેન્ટલ ઈજનેરીના વિદ્યાર્થીઓ તથા તેમના મેન્ટર ડો. કે એલ મોકરીયા તેમજ ઈન્ડસ્ટ્રી મેન્ટર હીતેશ ભીંગરડીયાને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૨,૦૦,૦૦૦/- નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે જ રીતે કુંદન ચૌહાણ તેમજ ટીમના અન્ય તમામ વિદ્યાર્થીઓને રૂ.૫૦,૦૦૦/- ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઇલેક્ટ્રીકલ વિભાગના વિદ્યાર્થી ગણેશ પાટીલની ટીમ દ્વારા ડો. કે. એલ. મોકરીયાના માર્ગદર્શનમાં તૈયાર કરેલો અને દેવાંગ મહેતા એવોર્ડ નોમીનેટેડ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટનો પણ આ કોન્ક્લેવ પ્રદર્શનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્ય કૃતિઓમાં કેમીકલ વિભાગના ડો. સંજય શ્રીવાસ્તવ દ્વારા માર્ગદર્શિત સ્મીત ગોસાઇની ટીમે બનાવેલુ અને સ્માર્ટ ઈન્ડીયા હેકથોન-૨૦૨૨માં પ્રથમ ક્રમે આવનાર ઑક્સિજન જનરેટર : ગ્રીન એનર્જી સોલ્યુશન, સ્નેહલ પટેલ દ્વારા ડો. બી. આર. સુદાણીના માર્ગદર્શનમાં નિર્મિત અને ઉન્નતી મહોત્સવમાં પસંદગી પામેલા સોલર ડ્રાયરનો સમાવેશ થાય છે. કેમીકલ વિભાગમાંથી જ કલીવરપુ પવનની ટીમ દ્વારા નિર્મિત અને હેકાથોન વિનર પ્લાસ્ટીક વેસ્ટમાંથી બનાવેલી મલ્ટી પર્પઝ ગેમ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
વલસાડની સરકારી ઈજનેરી કોલેજને આપવામાં આવેલા સ્ટોલ પર ભારતના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખર તેમજ અન્ય તજજ્ઞો-અધિકારીઓએ મુલાકાત કરી હતી. તેઓને સ્ટોલ પરની કૃતિઓ/ઉત્પાદનો વિષે માહિતી આપવામાં આવી હતી. સ્ટોલ પર દેશભરમાંથી આવતા અનેક ઇન્વેસ્ટર્સે પણ મુલાકાતો કરી હતી અને તેઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ભવિષ્યમાં તેમાંથી સ્ટાર્ટઅપ્સ શરૂ કરી શકાય તે માટે ઇન્વેસ્ટર્સ અને સંસ્થા વચ્ચે સંપર્કોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
આમ, સંસ્થાના આચાર્ય ડો. વી. એસ. પુરાણીના માર્ગદર્શનમાં કાર્યરત અધ્યાપકો સંસ્થાના વિદ્યાર્થીઓની ઇનોવેટીવ ટેકનીકલ સ્કીલ તેમજ ઉદ્યોગ-સાહસિકતા વધારી તેઓને આત્મનિર્ભર બનાવી દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.
Source: info gog valsad