વલસાડ તાલુકાના સેગવી ગામમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનું ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના પૂર્ણાહુતિ સમારોહમાં મુખ્ય મહેમાન પદે સેગવી વિભાગ કેળવણી મંડળના ટ્રસ્ટી અને દાતા વિભાકરભાઈ અને પદમાબેન ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાએ પ્રદર્શિત મુખ્ય ૫ વિભાગો મળી કુલ ૫૦ કૃતિઓ પૈકી પ્રત્યેક વિભાગમાંથી એક એક કૃતિ પસંદ થઈ ઝોન કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં એમ. એમ હાઇસ્કૂલ ઉમરગામ, સેન્ટ જોસેફ હાઇસ્કૂલ વલસાડ, શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઉદવાડા તથા ઉપાસના લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વાપીની બે કૃતિઓ મળી કુલ ૫ કૃતિઓ આગામી દિવસોમાં ધરમપુર ખાતે યોજાનાર દક્ષિણ ઝોનના પ્રદર્શનમાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સમાપન સમારોહમાં સર્વોદય શાળાના આચાર્યા ઉન્નતિ દેસાઇએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને વલસાડ જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળનો આભાર માન્યો હતો તેમજ સેગવી વિભાગ કેળવણી મંડળનો સહકાર બદલ આભાર માન્યો હતો. શાળાના તમામ સ્ટાફ અને સ્વયંસેવક વિદ્યાર્થીઓને એમની અદ્વિતીય કામગીરી બદલ અભિવાદિત કર્યા હતા. ભાગ લેનાર સર્વ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પસંદ થયેલી કૃતિઓને ઝોન કક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. ભાગ લેનાર તમામને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.