ભરૂચ જિલ્લાના બલેશ્વર ગામની મુસ્કાન વસાવાએ હૈદરાબાદ ખાતે ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીસીસીઆઈની ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ-10માં સ્થાન મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઈન્ટરસ્ટેટ કિકેટની ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. સમગ્ર ભારતમાં 5 ઝોનની ટીમો વચ્ચે ઈન્ટરસ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાઈ હતી. હાલમાં જ ઈન્ટર સ્ટેટ કિક્રેટની મેચ ભારતના હૈદરાબાદ ખાતે રમાઈ હતી. આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગ દરમ્યાન ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે. મુસ્કાન વસાવા અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી-20માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટરસ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે. મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ મુસ્કાનનો કિક્રેટ પત્યેનો લગાવ જોઈને ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. બલેશ્વર સ્થિત ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના 70થી પણ વધુ મેન-વુમન ખેલાડીઓ ક્રિકેટની મફત કોચિંગ લઈ રહ્યા છે.