Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

SB KHERGAM
0

               

Valsad: સરકારી શાળામાં ભણતા ગરીબ પરિવારના બે સાધારણ બાળકની અસાધારણ સિધ્ધિ.

  •  વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીના પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા, બંને વિદ્યાર્થી જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

  • પારડીના ખેરલાવની શાળાના વિદ્યાર્થીના ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ અને ઉમરગામના ફણસાના વિદ્યાર્થીના ‘‘બીચ ક્લિનર’’ પ્રોજેક્ટની દિલ્હીથી પસંદગી થઈ.  

  •  હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે લાઈફ સેવિંગ વિન્ડો અને સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ માટે બીચ ક્લિનર ઉપયોગી થઈ શકે 

  •  સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી, વલસાડના બે અને મહેસાણાના એક વિદ્યાર્થીનો સમાવેશ.

‘‘એક નાનો વિચાર ઘણા મોટા આવિષ્કાર સર્જી શકે છે’’. આ વિધાનને વલસાડ જિલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના બે બાળકોએ યથાર્થ ઠેરવ્યુ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખેરલાવ ગામના આદિવાસી પરિવારના દીકરા જિયાંશ અને ઉમરગામ તાલુકાના ફણસા ગામના માછી સમાજના દીકરા જૈનિલની કેન્દ્ર સરકારના ‘‘ઈન્સ્પાયર એવોર્ડ’’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમના પ્રોજેક્ટની પસંદગી થઈ છે. આ બંને બાળકો આગામી મે માસમાં જાપાન ખાતે યોજાનાર ‘‘સકુરા એક્સચેન્જ પ્રોગામ’’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જાપાન પ્રવાસ માટે દિલ્હી સ્થિત સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી કુલ ૩ બાળકોની પસંદગી થઈ છે જેમાં બે બાળકો માત્ર વલસાડ જિલ્લાના જ હોવાથી આ સામાન્ય બાળકોની અસાધારણ સિધ્ધિથી વલસાડ જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પણ ગૌરવ અનુભવે છે. 

અભૂતપૂર્વ સિધ્ધિ મેળવનાર વલસાડ જિલ્લાના આ બે હોનહાર બાળકોના પ્રોજેક્ટ વિશેની રસપ્રદ  માહિતી મેળવીએ તો, પારડી તાલુકાના નાનકડા ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના ધો. ૮ ના વિદ્યાર્થી જિયાંશ મનિષભાઈ પટેલ અને તેમના માર્ગદર્શક શિક્ષક ચેતનભાઈ આર. પટેલને વિચાર આવ્યો કે, સુરતની તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગતા વિદ્યાર્થી સહિત કુલ ૨૨ લોકોના મોત થયા હતા જો સેફટી રાખવામાં આવી હોત તો જાનહાનિ ટાળી શકાઈ હોત. જેથી હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે તો જીવ બચાવવા માટે ‘‘લાઈફ સેવિંગ વિન્ડો’’ કૃતિ તૈયાર કરી હતી. જેમાં આગની જાણ થઈ શકે તે માટે પીળા અને લાલ રંગની એલઈડી લાઈટ લગાવી સાથે સેન્સર જોડ્યુ છે. જ્યારે આગ લાગે ત્યારે સેન્સર કામ કરે છે અને ઈમારતમાં બારી સાથે જોડેલી મોટર વડે અડધી બારી નીચેની તરફ સરકી પડે છે અને સીડી જેવી રચના બને છે. અડધી બારી નીચે તરફ સરકતા જે જગ્યા થાય છે તેમાંથી આગમાં ફસાયેલી વ્યકિત નીચે સરળતાથી ઉતરી જીવ બચાવી શકે છે. 

જાપાન જનાર બીજી કૃતિ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સમુદ્ર કાંઠે આવેલા ફણસા ગામની છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ધો.૮માં ફણસા પ્રાથમિક શાળામાં અને હાલ ધો. ૧૦માં બી.એમ. એન્ડ બી.એફ વાડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા જૈનિલ યોગેશભાઈ માંગેલા મિત્રો સાથે સમુદ્ર કાંઠે રમતો ત્યારે દરિયા કિનારે થતી ગંદકીના કારણે તેનું મન દ્રવી ઉઠયુ, આ સાગરખેડૂ બાળકના મનમાં વિચાર આવ્યો કે, સમુદ્ર કિનારાની સરળતાથી સફાઈ કેવી રીતે કરી શકાય જેથી કચરો અને રેતી બંને અલગ પડી જાય. આ બાબતે ફણસા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષિકા ફાલ્ગુની એમ. પટેલ સાથે ચર્ચા કરી અને ભારે મનોમંથન બાદ ‘‘બીચ ક્લિનર’’ સાધન બનાવ્યા હતા. જેનાથી સમુદ્ર કાંઠાની સફાઈ સરળતાથી કરી શકાશે. સમગ્ર દેશમાં સૌથી વધુ ૧૬૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવનાર ગુજરાતના સમુદ્ર કાંઠાને સ્વચ્છ રાખવા માટે આ ઈનોવેટીવ આઈડિયા ઉપયોગી થશે એવી આશા સેવાઈ રહી છે. આ બંને બાળકોની પ્રતિભાએ વલસાડનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતુ કરી ડંકો વગાડ્યો છે.

બોક્ષ મેટર 

રેતીમાં ભળી જતા નાના કચરાની સરળતાથી સફાઈ શક્ય બનશેઃ શિક્ષિકા ફાલ્ગુની પટેલ 

ફણસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ફાલ્ગુની પટેલે જણાવ્યું કે, સમુદ્ર કાંઠે થતી ગંદકીની સફાઈમાં મોટો કચરો તો હાથથી ઉપાડીને સાફ કરી શકાય પણ નાનો કચરો રેતીમાં ભળી જતો હોવાથી તેને છુટો પાડવો મુશ્કેલ હોય છે. બીચ ક્લિનર સાધનથી સરળતાથી સફાઈ કરી શકાશે. આ ઈનોવેટીવ આઈડિયાથી મોટા પાયે બિચ ક્લિનર સાધન બનાવી સમુદ્ર કાંઠાના પર્યટન સ્થળોની સફાઈ કરી શકાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાપાનમાં યોજાનારા સકુરા એક્સચેન્જ પ્રોગામ માટે સમગ્ર દેશમાંથી કુલ ૮૭ વિદ્યાર્થીની પસંદગી થઈ છે. જેમાંથી ગુજરાતમાંથી માત્ર ૩ વિદ્યાર્થીની પસંદગી થઈ છે. જેમાં બે વલસાડના અને એક વિદ્યાર્થી મહેસાણાનો છે.   

બોક્ષ મેટર 

લાઈફ સેવિંગ વિન્ડોના ઉપયોગથી તક્ષશિલા જેવી ઘટનામાં જીવ બચાવી શકાશેઃ શિક્ષક ચેતન પટેલ 

ખેરલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનભાઈ પટેલે જણાવ્યું કે, લાઈફ સેવિંગ વિન્ડો પ્રોજેક્ટ હકીકતમાં અમલમાં મુકાય તો શાળા, કોલેજ, ઈન્સ્ટીટ્યુટ અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પણ ઉપયોગી બની શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જિલ્લાના બે વિદ્યાર્થીઓના કૌશલ્યની પસંદગી થતા શિક્ષણ આલમમાં ખુશીની લહેર પ્રસરી છે. દરેક વલસાડવાસીઓ આ બાળકોની અભૂતપૂર્વ સિધ્ધિ બદલ ગૌરવ અનુભવે છે. ઈન્સ્પાયર એવોર્ડ અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છે.  

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી  

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જાન્યુઆરી

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top